રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં
માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા
છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે
બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા વાલીઓને આ
પ્રશ્ન મૂંઝવે છે માટે થોડા વિચારો ફેસબુકના માધ્યમથી વહેતા મુકું છું.
બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના
ઘરમાં બોલાતી હોય, એની આસપાસ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો મહત્તમ
ઉપયોગ થતો હોય તો બાળકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો ગુજરાતી ભાષાનો
ઉપયોગ થતો હોય તો ગુજરાતી ભાષામાં બાળકનો અભ્યાસ થવો જોઈએ. માતૃભાષામાં
અભ્યાસ કરનાર બાળકનું દિમાગ બાકીની બીજી ભાષાઓ બહુ ઝડપથી શીખી શકે છે.
તમારે આ માટે એક પ્રયોગ કરવો હોય તો કરી જો જો. એકસમાન ધોરણમાં ભણતા એક
ગુજરાતી માધ્યમના અને એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને એકસમાન કામ સોંપજો.
બંનેને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોબાઈલ નંબર લખાવજો. ગુજરાતી માધ્યમનો
વિદ્યાર્થી બંને ભાષામાં સરળતાથી લખી શકશે અને અંગ્રેજી માધ્યમમાં ભણતો
વિદ્યાર્થી ગુજરાતીમાં નંબર લખવામાં મુશ્કેલી અનુભવશે.
અંગ્રેજી
ભાષાનું મહત્વ ખુબ છે એ સાચી વાત પણ એના માટે માધ્યમ અંગ્રેજી હોવું બિલકુલ
જરૂરી નથી (જેના ઘરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય એ અંગ્રેજી માધ્યમ
અપનાવે તો સ્વીકાર્ય છે ) અંગ્રેજીને ભાષા તરીકે શીખવી જ જોઈએ અને ગુજરાતી
માધ્યમમાં અભ્યાસ કરીને પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય. ધો.12
સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં
અભ્યાસ કરેલો વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે ત્યારે
ગુજરાતી માધ્યમવાળો વિદ્યાર્થી બિચારો પોતાની જાતને પછાત મહેસુસ કરતો હોય
છે કારણકે પ્રથમ વર્ષે એને ભણવામાં, લખવામાં, બોલવામાં બહુ તકલીફ પડે છે.
બીજા વર્ષે બંને સમાન થઈ જાય અને પછીના વર્ષથી ગુજરાતી વાળો (અહિયાં
માતૃભાષામાં ભણેલો એમ જ સમજવું.) આગળ નીકળી જાય. પીજીની પરીક્ષાઓ મોટાભાગે
માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ જ પાસ કરી જાય છે. તમારા શહેરના સુપર
સ્પેશિયાલિષ્ટ ડોકટરોની યાદી બનાવો અને તપાસ કરો કે એ ક્યાં માધ્યમમાં
ભણ્યા હતા ?
ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતી વખતે ગુજરાતીમાં ઉપયોગમાં
લેવાતા મહત્વના શબ્દોનું અંગ્રેજી શીખવાની ટેવ પડે તો કોઈ જ મુશ્કેલી ઉભી
નહિ થાય. આજે તો હવે પાઠ્યપુસ્તકમાં ગુજરાતી શબ્દની સાથે કૌંસમાં અંગ્રેજી
અર્થ પણ આપવામાં આવે છે જે પહેલા નહોતું થતું.
આપણા દિમાગમાં એ વાત
ઘુસી ગઈ છે અથવા પ્રયત્નપૂર્વક ઘુસાડી દેવામાં આવી છે કે અંગ્રેજી
માધ્યમમાં ભણે તો જ બાળકનો વિકાસ થાય. કઠપૂતળીની જેમ એક બે અંગ્રેજી કાવ્ય
બોલી જતા બાળકોને જોઈને આપણે સાવ પછાત છીએ એવું અનુભવવા લાગ્યા છીએ. આપણને
આપણા બાળકના ભવિષ્યની જેટલી ચિંતા છે એના કરતા સમાજના લોકો શું કહેશે તેની
વધુ ચિંતા કરીએ છીએ.
વાલીઓ બિચારા મોટા મોટા સપનાઓ સાથે સંતાનોને
અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મૂકે જ્યાં ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકો જ
નાં હોય મેં તો એવી શાળાઓ અને કોલેજો જોઈ છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણતા
વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને જ અંગ્રેજી ના આવડતું હોય અને એ
ગુજરાતીમાં જ ભણાવતા હોય ખાલી શબ્દો અંગ્રેજીમાં બોલે બાકી બધું ગુજરાતી જ
હોય. આમ બિચારું બાળક પણ શું કરે ?
ઘણું લખવું છે પણ તમે વાંચીને
થાકી જશો એટલે છેલ્લે એટલું જ કહેવું છે કે બાળકને જે ભાષામાં ભણાવવું હોય એ
ભાષા ભણાવજો પણ ભણાવવાનું માધ્યમ નક્કી કરતી વખતે તમારા સ્ટેટ્સ કે
દેખાડાને મહત્વ આપવાને બદલે તમારા ઘરમાં કઈ ભાષા બોલાય છે આજુબાજુમાં કઈ
ભાષા બોલાઈ છે એ પણ જરા જોજો. અંગ્રેજીનાં ગાંડપણામાં માતૃભાષા ભૂલાઈ ના
જાય એનું ધ્યાન રાખજો. કમસેકમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ અપાય એ
જરૂરી છે
Tags
જાણવા જેવું